કર્ણ અને તેના કુંવારી જમીન પર અંતિમ સંસ્કારની સાચી કથામાહિતી દોષ ધરાવતી એક પોસ્ટ, જેની સાચી કથા ઉપર ધ્યાન દોરવું બહુ જરૂરી છે.

કર્ણ અને તેના કુંવારી જમીન પર અંતિમ સંસ્કારની સાચી કથા .....

Ailesh Shukla – Journalist – SURAT = 9998753239.....

 આજકાલ Social Media માં એક પોસ્ટ વારંવાર મુકાતી જોવામાં આવી છે કે મહાભારતના મહામાનવ કર્ણનાં અગ્નિસંસ્કાર કુંવારી જમીન ઉપર થયેલા અને આ જમીન ગુજરાતના સુરતમાં જ છે

પરંતુ તેમાં થોડો માહિતી દોષ છે તે સુધારી અહી ફરી મુકીએ છીએ.

મહારાણી કુંતીનાં સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે, જે કુંતી કુંવારી હતી ત્યારે જન્મેલો તેથી તેને ત્યજી દેવામાં આવેલો. પછી તે મરણપર્યત કૌરવોના પક્ષ માં રહી; પાંડવો વિરુદ્ધ લડ્યો. તે આ વાત જાણતો હતો છતાં વફાદારી પૂર્વક દુર્યોધનની સાથે રહ્યો. તે કુંતીની મજબૂરી કે મનોદશા સમજી નહી શક્યો. કુંતીની તકલીફ એ હતી કે તેને ઈચ્છિત પુત્રોની પ્રાપ્તિ નું વરદાન મળેલું; જેની તે ખાતરી કરવાં ગઈ અને કર્ણને આ પૃથ્વી ઉપર જન્મ આપી દીધો. પછી તે કુંતી ટેન્શન માં આવી ગઈ કે, ‘હવે ?’ .... કારણ બાળક તો આવી ગયું પણ તે હજુ કુંવારી હતી. તેથી તેને ત્યજવું જ પડે અને તેને ગંગા નદીમાં ભગવાન ભરોસે મૂકી દીધો.

આ વાત થઈ કર્ણ ના જન્મ ની ..... હવે તેના મૃત્યુ પછીના ઘટના ક્રમની વાત કરીએ. તેનાં મૃત્યુ સંબંધિત રહસ્ય પણ રોચક છે; જેની એક પોસ્ટ, અલબત્ત ખોટી માહિતી સાથે ને લખાણની અવ્યવસ્થિત શૈલી અને કોઈ નવા નિશાળિયાનું લખાણ હોય એ રીતે મુકવામાં આવી છે. તે સાચી કથા વિશે જાણીએ.

તેનું મૃત્યુ કેવી રીતે થયું તે તો સૌ કોઈ જાણે જ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે કર્ણનાં રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે, ‘‘જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીન માંથી બહાર ન કાઢી લઉ, ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે.’’ આ સાંભળી અર્જુન અટકી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે, "અર્જુન, તું કેમ અટકી ગયો, બાણ ચલાવ". અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે, "તે યુદ્ધનાં નિયમો થી વિરુદ્ધ છે". ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે જ્યારે અભિમન્યુ એકલો જ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો ત્યારે યુદ્ધનાં નિયમોનો ખ્યાલ રખાયો નહી હતો. ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેવામાં આવી હતી તે આજ હતો’’ ...... વગેરે ..... વગેરે ..........

આ સાંભળી અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પર બાણ ચલાવી દીધું. અર્જુન દ્વારા ચલાવાયેલું આ બાણ કોઈ સાધારણ બાણ ન હતું કે જેનાથી કર્ણ બચી શકે. તે પાશુપાસ્ત્ર હતું, જે ભગવાન શિવજીનાં વરદાનથી અર્જુનને મળ્યું હતું.

અહીંથી પોસ્ટમાં એકદમ ખોટી કથાનું નિરૂપણ થાય છે જે સદંતર કપોલ કલ્પિત અને મહાભારત બહારની વાત કે કથાવસ્તુ છે.

અર્જુનનાં વાર બાદ તડપી તડપીને કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું, અને બ્રાહ્મણ રૂપ ધરીને ભગવાન કર્ણ પાસે આવ્યા, અને કહ્યું કે, "હે કર્ણ, મારી પુત્રીના લગ્ન છે, અને મારી પાસે તેને દાનમાં આપવા માટે સોનું નથી, તો મને સોનાનું દાન આપ." ત્યારે કર્ણએ જણાવ્યું કે, "હવે મારી પાસે કંઈ નથી, હું તમને શું દાન કરી શકું, શા માટે તમે મારી પરીક્ષા લઇ રહ્યો છો ?" ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, "હજી પણ તારી પાસે તારો સોનાનો દાંત છે, દાન આપવા માટે." ત્યારે કર્ણએ જણાવ્યું કે, "હે ભૂદેવ, પથ્થર મારીને મારો દાંત કાઢી લો". ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે, "દાન તો તારે આપવાનું હોય, મારાથી પથ્થર મારીને ન લેવાય, તારે જ આપવો પડશે દાંત !" ત્યાંરે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, "હે કર્ણ, દાંત પર તો તારુ રક્ત લાગેલુ છે, તેને પવિત્ર કરીને પછી દાન આપ". કર્ણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, કોઈ દેવતા અથવા તો સાક્ષાત પરમાત્મા છે, અને ત્યારે કર્ણએ પોતાનું એક બાણ ધરતી પર ચલાવ્યું ને ત્યાંથી ગંગાજીની જળધારા પ્રગટ કરી, તેમાં ધોઈને દાંત પવિત્ર કર્યો જેને અર્પણ કરતા તેણે બ્રાહ્મણ દેવ ને કહ્યું કે, "હે ભૂદેવ, આપ જે પણ હોવ, મને તમારા અસલી રૂપનાં દર્શન આપો".

ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનાં અસલી રૂપમાં આવ્યા અને કર્ણને જણાવ્યું કે, "હે કર્ણ, ખરેખર તું મહાન દાનવીર છો. તારા સમાન દાની જગતમાં બીજું કોઈ નથી. હું તારા આ કર્મથી પ્રસન્ન છું, તું જે માંગીશ તે આપીશ, માટે કોઈ વરદાન માંગ".

         અહી સુધીની કથાવસ્તુ ખોટી છે. તેની કોઈ પરિક્ષા કરવામાં આવી નહતી કે નહિ તેને કોઈ સોનાનો દાંત હતો. જો કોઈએ કઈક માંગ્યું હોત તો તેની પાસે ઘર, રાજ-પાટ, રથ ઈત્યાદી ઘણું હતું. તે સર્વસ્વ આપી જ દેતે એમાં કોઈ શંકા નથી.

         હા ...... તેના મૃત્યુ ને શાંતિ આપવા અને તેને મોક્ષ પ્રાપ્તિ થાય તે માટે કૃષ્ણ અને અર્જુન ચોક્કસ તેની નજીક ગયા અને પ્રણામ કરી કહ્યું, “હે કર્ણ, તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો જણાવ; હું તે પૂર્ણ કરીશ.” કૃષ્ણને ખબર હતી કે કર્ણ એટલો અસંસ્કારી નહિ હતો કે રાજ-પાટ કે દુર્યોધન માટે કઈક માંગે કે અરે ! અર્જુન નું મોત માંગે.

ત્યારે કર્ણએ કહ્યું, "હે કૃષ્ણ, મેં ક્યારેય કોઈ પાસે માંગ્યુ નથી. પરંતુ આજે આપને એક પ્રાર્થના કરુ છું કે, મને જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે, માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી ધરતી પર થાય તેવું હું ઈચ્છું છું. હે કૃષ્ણ, મારી છેલ્લી ઇચ્છા એ પણ છે કે તમે મારો અંતિમ સંસ્કાર કરો.”

ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંત:દ્રષ્ટિથી કુંવારી ધરતીની શોધ કરી, તો સુરત તાપી કિનારે; અશ્વિનીકુમાર નાં મંદિર પાસેની જમીન કુંવારી હતી. જ્યાં કર્ણનાં દેહ છોડ્યા બાદ ભગવાન કૃષ્ણ અને પાંચેય પાંડવોએ મળીને કર્ણનાં અંતિમ સંસ્કાર કર્યા.

અહી વાર્તા માં ફરી Twist આવે છે.

ત્યારે પાંડવોએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે, "આ કુંવારી જમીન જ છે, એવું કંઈ રીતે સાબિત થાય ?"

ત્યારે કૃષ્ણએ કહ્યું, “ આપણે કર્ણને જ પૂછી લઈએ !” ....... અહી બધાને અને આપણને નવાઈ લાગે કે એ કેવી રીતે શક્ય બને પરંતુ ત્યારે આ બધું સહજ હતું........

ત્યારે કર્ણ પ્રગટ થયો અને જણાવ્યું કે, "તાપી નદી સૂર્યપુત્રી હોવાથી તાપી મારી બહેન છે, અશ્વિનીકુમાર મારા ભાઈઓ છે અને હું સૂર્ય પુત્ર છું અને મને મારા Family background વિષે ખબર છે કે ક્યાં શું ને કેવું છે. આ ભૂમિ કુંવારી છે એ મને ખબર છે. મારો અગ્નિદાહ એક કુંવારી જમીનમાં જ થયો છે". કુંવારી ભૂમિની વ્યાખ્યા આપતા કર્ણ કહે છે કે, “મારા જન્મના ક્ષણથી જ મારું દુર્ભાગ્ય લખાયું છે. હું હવે ઇચ્છતો નથી કે મારૂ દુર્ભાગ્ય બીજા કોઈ પણ જન્મમાં મારી પાછળ પાછળ આવે. તેથી તેનું નિરાકરણ એજ છે કે જ્યાં કઈ વધતું ના હોય, કોઈ પણ સ્વરૂપમાં ફૂળતું-ફળતુ નહિ હોય, વિકાસ પામતું નાં હોય તે જગ્યા કુંવારી ભૂમિ કહેવાય. આ બે પગના પંજા જેટલી જગ્યા એવી જ છે.” આમ કહી કર્ણ કાયમ માટે શાંત થઈ મોક્ષ પામ્યો.

(એક આડવાત, પુરાણોમાં લખ્યા મુજબ પગના પંજા જેટલી જ એ જગ્યા છે તેથી શક્ય છે કે કર્ણને ઉભો રાખીને તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હોય. આજે પણ કેટલીક જ્ઞાતિમાં પલાઠી વાળીને બેસાડી અગ્નિ સંસ્કાર આપવામાં આવે જ છે.)

ત્યારે પાંડવોએ જણાવ્યું કે, "હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે આ એક કુંવારી જમીન છે, પરંતુ આવનારી પેઢીને કંઈ રીતે ખબર પડશે કે આ જ કુંવારી જમીન પર દાનવીર કર્ણનાં અંતિમ સંસ્કાર થયા હતા".

ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે, "આ સ્થાન પર એક વડ નું વૃક્ષ ઉગશે, અને તેમાં એક સાથે ત્રણ જ પાંદડા આવશે. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નાં પ્રતિક હશે. કુદરતના વિકાસ ના નિયમને જો એ વટ વ્રુક્ષ અનુસરશે અને ચોથું પાંદડું ઉગશે તો એક પાંદડું આપોઆપ ખરી પડશે; ત્રણ ના ત્રણ જ રહેશે. આમ એ સાબિત કરશે કે અહી વિકાસ અટકી ગયો છે.”

આ વટ વૃક્ષ આજે પણ છે અને આજે પણ તેમાં માત્ર ત્રણ જ પાંદડા આવે છે. જે એ વાતની સાબિતી આપે છે કે દાનવીર કર્ણનાં અગ્નિસંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા. આ વટ વૃક્ષ આપણા ગુજરાતમાં જ છે. સુરત શહેરમાં તાપી નદીનાં કિનારે આવેલા અશ્વિનીકુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડાવાળું વટ વૃક્ષ આવેલું છે.